વાલિયામાંથી……………. વાલ્મિકી………………..

 

સૌજન્ય સભ્યતા અને સત્કાર્યને પ્રણામ

ભીતરની ભવ્યતા અને ઔદર્યને પ્રણામ.

                          -કરસનદાસ લુહાર

                             આ સમગ્ર સંસારમાં ઘણી જ પ્રકારના લોકો વસે છે. પણ આ હળાહળ કળિયુગમાં તમને આવીને કોઇ પુછીલે કે વાલીયામાંથી વાલ્મિકી કોઇ બની શકે ખરો ? તો ? જવાબ ……  વાલિયામાંથી વાલ્મિકી બન્યા તેને તો હજારો વર્ષો વીતી ગયા. પણ હાલના સમયમાં એવું બની શકે ખરુ ? તો જવાબ મેળવવા વાંચો……………..

                            શેત્રુંજય પર્વતની ગોદમાં આવેલું આદપર નામનું એક ગામ છે. અને ત્યાં ભરવાડ પરીવારમાં સુખી સમ્પન્ન ઘરમાં જન્મેલ વ્યક્તિ નામે ભીખાભાઇ સાટીયા. ઘણી જ જમીન અને સમ્પતી હોવાથી એક એને એક કુલક્ષણ પડેલું અને તે પણ જુગારનું!!! પરંતુ એ પણ જુગારી તો એવા જુગારી કે જાણે જીત એની દાસી !! અને ત્રણ પત્તાનાં ચારેય એક્કા તો જાણે એના ગુલામ! અને આ ભીખાભાઇ જ્યારે પણ રમવા બેસે ત્યારે કદાચ જો શકુની પણ જો તેની સામે બેસે તો એ પણ કદાચ હારી જાય. આટલી પાના રમવાની ફાવટ ! અને આમ જુગારમાંને જુગારમાં ઘણી બધી સમ્પતી મેળવી. પરંતુ એના પિતા ધાર્મિકવ્રુત્તિના અને તેમની ઇચ્છા કે એક શિવમન્દિરનુ નિર્માણ કરવું. અને તેઓ આ ઇચ્છા પુર્ણ થાય તે પહેલા જ દેવ થઇ ગયા. પરંતુ પિતાજીની આ અધુરી ઇચ્છા પુરી કરવાનુ ભીખાભાઇએ ધારી લીધું. અને પોતાની જ જમીનમાં તેમણે ભગવાન આષુતોષ ભીમેશ્વર મહાદેવનું મન્દિર બન્ધાવવાનું કામ શરૂ કર્યુ.  

                              અને મંદિરનું નિર્માણ શરૂ હતું ત્યારે એક ગોઝારી ઘટના બની અને તેણે આખાય ભાવનગર પંથક ને હચમચાવી નાંખ્યુ. ભાવનગર નજીકનાં શિહોર શહેરમાં એક પાગલ યુવતીને સમાજનાં જ રક્ષકોએ (પોલીસે) પીંખી નાંખી.!!!!! અને તે સગર્ભા થતાં તેણે આત્મવિલોપન કર્યુ.

                              આ આખીયે ઘટના ભીખાભાઇએ છાપામાં વાંચી અને વાંચતા જ તેઓનું મન અને હ્રદય બન્ને ખળભળી ગયા. અને તેઓએ વિચાર કર્યો કે આ ભગવાનને રહેવામાટે તો ઘણાય મંદિરો છે. અને તે પણ મહેલોને શરમાવે તેવા. પરંતુ આ લોકો કે જેઓ માનસિક રીતે અસ્થીર છે તેઓ માટે તો આ પંથકમાં ક્યાંય નાનુ સરખું આશ્રય સ્થાન પણ નથી. એટલે જ તેમને લાગ્યુ કે એક “મંદબુધ્ધીજન આશ્રમ” બનાવું કે જેથી સમાજ્થી તરછોડાયેલા લોકોને આશ્રય મળી રહે અને તેઓ અહીં શાંતિથી રહી શકે અને મને તેની સેવા કરવાનો લાભ મળે. તેમણે વિચાર્યુકે ભગવાનનું સાચુ મન્દિર મુર્તિવાળુ નહી પરંતુ દુખિયારાનુ આશ્રયસ્થાન  છે. આ વિચાર્ની સાથે જ તેઓએ મંદિરનું કાર્ય અધુરૂ છોડી અને મન્દબુધ્ધીજન આશ્રમનુ નિર્માણ શરૂ કરી દિધુ. અને થોડા જ સમયમાં બાંધકામ પુરૂ પણ થઇ ગયું.

                                શરૂઆતમાંતો સો એક પાગલો રહી શકે તેવી વ્યવસ્થા કરી. અને જ્યારે આ આશ્રમની શરૂઆત કરી ત્યારે તેનો સમ્પુર્ણ ખર્ચ ભીખાભાઇ પોતે ઉપાડતા અને સાથે-સાથે જે કોઇ પોતાનુ વાહન લઇને પાગલને મુકવા આવતા તેમને ભાડા પેઠે પોતાના ખીસ્સામાંથી ૧૦૦ રૂપિયા આપતા. આજે ત્યાં પાગલોમાં ૫૦ પુરૂષો ૬૦ સ્ત્રી અને ૫ બાળકો રહે છે. અને છેલ્લા ૫-૬ વર્ષમાં લગભગ ૪૦ થી ૪૫ પાગલો સાજા થઇ પાછા ઘેરે પરત ફર્યા છે. અને તે પણ પોતાનો વ્યવસાય કરીને ગુજરાન ચલાવે છે. અહીં પાગલોની સેવા પણ ભીખાભાઇ પોતે અને તેમના ધર્મપત્ની શારદાબેન કરે છે. તે પણ સગ્ગા દિકરા કે દિકરીની જેમ જ. તેઓની દિનચર્યા સવારે સૌને ઉઠાડી  જાજરૂ અને સ્નાન કરાવી પછી જૈન નાસ્તો આપવામાં આવે છે‚ ત્યાર પછી સૌને થોડુ કમ કરવાનુ હોય છે. જેમ કે અનાજ દળવું‚ સાફ કરવું‚ કપડા ધોવા‚ આશ્રમની સફાઇ કરવી‚ રસોઇ બનાવવી વગેરે જેવા કામ પાગલો કરે છે (અમે રૂબરૂ જોયેલ છે.) ત્યાર બાદ બપોરનુ ભોજન કરાવવામાં આવે છે‚ ભોજન બાદ સૌને ૪ વાગ્યા સુધી આરામ કરવાનો. ૪ વાગ્યે સૌને જગાડી ફરી વખત ટૉઇલેટ માટે લઇ જવાના.  ત્યાંથી આવ્યા બાદ ફરી વખત આખાય આશ્રમની સફાઇ કરવાની. અને તમે આખાય આશ્રમની સ્વચ્છતા જુઓ તો કદાચ તે તમને ઘર કરતાં પણ સ્વચ્છ લાગે. ત્યારબાદ સાંજના ૬ કલાકે સૌને વાળુ કરાવવાનું(જૈન ધર્મનાં નિયમ મુજબ). ભોજનબાદ સૌને સુઇ જવાનું.  અને સાથે – સાથે ભાવનગરનાં શ્રી જનાર્દનદાદા પોતાના ખર્ચે ડોક્ટરોની સુવીધા પુરી પાડે છે.અને અમદાવાદથી પણ એક દાદા અહીં ડોક્ટરોની સુવીધા આપે છે. અને ઝ્વેરચંદ મેઘાણીનાં પુત્ર અને પુત્રવધુ પણ અમેરીકાથી ખાસ અહીં આવી આર્થિક અને દૈહિક સેવા આપે છે.

                           પરંતુ મીત્રો વિચારો કે આજના સમયમાં આ સત્યકથા એક દંતકથા જેવી લાગે. કારણ કે આ સમયમાં સગ્ગા દિકરાથી પોતાના માં-બાપની જીવનભર ચાકરી નથી થઇ શકતી કે પોતાના સ્વજનને કોઇ સાચવી નથી શકતુ ત્યારે આ માણસ પોતની પત્ની અને મિત્ર રમેશભાઇ વડીયાની સાથે આ પાગલોની અહર્નિશ સેવા કરી રહ્યો છે.  અને આ ઓછુ ભણેલો માણસ કહે છે કે “પ્રેમમાં એવી તે તાકાત છે કે જે પાગલોને પણ સારા કરી દે છે.” જે અને પોતના પ્રેમ‚ હુંફ અને લાગણીથી દિવસ-રાત આ પાગલોની સેવામાં રત છે.

                       ભીખાભાઇ સાટીયા અને તેના પરીવારને અમારા પ્રણામ.

છેલ્લો રણકો-      હ્રદયમાં જે માનવનો ગમ સચવે છે‚

                    અસલમાં એ સાચો ધરમ સાચવે છે.

                                 આશ્રમનું સરનામુ-

     ભીમેશ્વર મહાદેવ ટ્રસ્ટ સંચાલિત                         ટ્રસ્ટ રજી.નં. ૨૫૦૮/ભાવનગર્

          મન્દબુધ્ધીજન આશ્રમ

       મું.  આદપર તા- પાલીતાણા જી- ભાવનગર.

મો. ૯૪૨૬૪૬૮૩૮૬

    ૯૩૭૬૧૧૪૫૮૮(ભીખાભાઇ સાટીયા)

મો. ૯૪૨૬૯૨૩૨૦૭ (રમેશભાઇ વડીયા)

મો. ૦૯૮૨૧૦૪૩૩૩૪ (ભુપતકાકા મુંબઇ)

 

(આ આશ્રમની મુલાકાતે હુ તરૂણભાઇ મહેતા અને જયેશભાઇ અધ્યારૂ ગયેલા. આ આશ્રમના વિશે જયેશભાઇની કસયેલી કલમે લેખ વાંચવા માટે ક્લિક કરો : www.aksharnaad.com )

Advertisements