હેપ્‍પી બર્થ ડે કાળીયા…………………………..
હમણા હમણા આપણે સૌ એ જગદ્ગુરૂ ભગવાન શ્રી કૃષ્‍ણનો જન્‍મ દિવસ એટલે કે નંદ મહોત્‍સવ ઉજવ્‍યો. અને આ વખતે આ મહોત્‍સવ ખુબજ આનંદ અને ઉત્‍સાહથી પુરાયે ભારતવર્ષમા ઉજવાયો.  જેને આપણે ભારતીયો છેલ્‍લા પાંચ હજાર વર્ષોથી આ જ ઉલ્‍લાસ અને રંગથી ઉજવતા આવ્‍યા છીએ. અને એટલે જ તે એક મહોત્‍સવ છે. બાકી ઉત્‍સવતો વેલીડીટી વાળો છે. અને મહોત્‍સવની કોઇ વેલીડીટી જ નથી.
             જયારે આ કાળીયાનો જન્‍મ થયો હશે ત્‍યારે જે ગોકુળનો રંગ હશે તેની આજે આપણે કલ્‍પના કરીએ તો પણ આપણું હ્રદય આનંદથી ભરાઇ જાય છે. કારણકે આપણો આ ભગવાન રસીલો છે.  પરંતુ તે ભોગી નથી તે તો યોગી છે.  કારણ કે  તેણે જે ગીતોપદેશ દ્વારા જે વાતો કહી છે તેની નોંધ આજના યુગમાં ભારત કરતા અન્‍ય દેશોએ વધારે લીધી છે. ભારતમાં ગીતાતો પૂજવાનું સાધન માત્ર છે. ભારતમાં ગીતા અગરબત્‍તીનાં ધુપ ખાઇ ખાઇને આજે ગંધાઇ ગઇ હોયને તેવું લાગે છે. પરંતુ વિશ્વનાં અન્‍ય દેશો જેવા કે જર્મની, અમેરિકા વગરેએ ગીતાને ખુબજ મહત્‍વ આપ્‍યુ છે. અને અમેરિકાની તો સેટન હોલ યુનિવર્સિટીમાં તો દરેક વિદ્યાર્થીને ફરજીયાતપણે ગીતા ભણાવાય છે. કારણકે તે યુનિવર્સિટીના સંચાલકો માને છે કે વિદ્યાર્થીઓને જીવન કલાનાં પાઠો શિખવવા માટે ગીતાથી મોટો કોઇ ગ્રંથ હોઇ જ ના શકે. (તા. ૩૧/૮/૨૦૧૦ ‘વિચારોનાં વૃંદાવનમાં’
 ગુણવંત શાહ).
                   બાકી જયારે હું ભાવનગરની શામળદાસ આર્ટ્સ કોલેજમાં અભ્‍યાસ કરતો ત્‍યારે અમે વિદ્યાર્થીઓ ગીતા એક વિષય તરીકે ભણવામાં આવતી. અને અમે વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો ગીતા ક્લબનાં નામે પ્રવૃતિ ચલાવતાં અને તેમાં વિદ્વાનોનાં વ્‍યાખ્‍યાનો અને ચર્ચાઓ જેવી પ્રવૃતિ થતી. તેમાં એક વખત મને મારા મિત્રએ પ્રશ્ન પુછેલો કે માની લો કે ભગવાનશ્રી કૃષ્‍ણ થયાજ નથી તો આપણે ગીતાને શા માટે પુજવી? અને કોને વંદન કરવા? ત્‍યારે મે એને કહેલું કે જો કૃષ્‍ણ થયાજ ન હોય તો પણ આપણે ગીતાને પૂજીએ કારણ કે ગીતા એટલે પૂજનીય નથી કે તે કૃષ્‍ણના મુખેથી ગવાઇ પરંતુ ગીતાતો એટલે પૂજનીય છે કે તેમાં જીવન જીવવાની કલા છે ! ! ! અને રહી વાત ગીતાનાં રચનાકારની તો ભલે કદાચ કૃષ્‍ણાવતારને તમે ન સ્‍વીકારો તો સાહેબ તે વ્‍યાસને નમન કરવા પડે કે કારણકે તેણે માત્ર ૭૦૦ શ્લોકોમાં જીવન જીવવાની કલા સમાવી દીધી. અને એટલે જ તો મેક્સમૂલર જેવા વિદ્વાનો પણ સંકટના સમયે ગીતાનું જ શરણ સ્‍વિકારે છે. ગીતા એ કંઇ માત્ર પૂજવાનો કે વાંચવાનો ગ્રંથ માત્ર નથી ગીતા તો જીવવાનો ગ્રંથ છે.
               સાહેબ !  કૃષ્‍ણતો લાગણીઓનો ભગવાનછે. જો કૃષ્‍ણ ,પાસે સાચી હ્રદયંગમ લાગણીઓથી જઇએ તો આ કાળીયો દરેકને પોતાના હ્રદયમાં સ્‍થાન આપે જ છે. કૃષ્‍ણ પાસે રૂપ કે બાહ્ય આડંબરથી નહી પરંતુ સાચો પ્રેમ લઇને જવું જોઇએ. રામને હંમેશા આદરથી જ બોલાવવા પડે કારણ કે તે મર્યાદા પુરૂષોત્તમ છે તેદે તમે ક્યારેય તુ કારો નથી કરી શકતા પણ પૂર્ણ પૂરૂષોત્તમ કૃષ્‍ણને જો તમે માનથી બોલાવો તો તેની પ્રત્‍યેનો ભાવ ઓસરાઇ જવાનો ભય રહે છે.
                હું જ્યારે બી.એડ્.માં હતો ત્‍યારે કોલેજનાં નોટીસ બોર્ડ ઉપર એક બહેને એક પ્રશ્ન લખેલો કે કૃષ્‍ણએ મોરપીચ્‍છ શા માટે ધારણ કર્યુ? મેં ઘણી મથામણ પછી જવાબ આપેલો કે આ સમગ્ર સૃષ્‍ટિ ઉપર મોર જ એક એવું પ્રાણી છે કે જે તદ્દન વાસના રહીત છે દરેક પ્રાણીને સંતતિ માટે સહવાસની જરૂર પડે છે. પરંતુ મોર પોતાના પીંછાની કળા કરી નાચે છે અને ઢેલ તેનાથી આકર્ષિત થઇ નજીક આવે છે અને મોરની આંખમાંથી જે આંસુ પડે છે તેને તે પીવે છે અને તેનાથી તે ગર્ભ ધારણ કરે છે. ! ! ! આમ કૃષ્‍ણ મોરના બ્રહ્મચારીપણાથી આકર્ષિત થયા હોય એવું લાગે છે. નહી કે મોરપિચ્‍છની સુંદરતાથી.
 
છેલ્‍લો રણકોઃ
તે તો મુક્યુ અંકાશ ઘેલી ગોવાલણ
તે તો આંખ્‍યુમાં ઉજાસ ઘેલી ગોવાલણ
મોરી મટકી દહીં ભરેલી છલ્‍લક છલ્‍લક થાય
પાંપણ જેવી પાંપણ વચ્‍ચે દરિયા હિલ્‍લોળાય.
મારગ મળીયા માધવ ગોપી આકળવિકળ થાય. 

                              -માધવરામાનુજ

Advertisements